Transcription
બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય.
મિત્રો, શ્રી સત્યનારાયણ કથાનો ઉલ્લેખ સ્કંદપુરાણના રેવાખંડમાં લખેલો છે. ભગવાન વિષ્ણુએ પોતે નારદ મુનિને આ કથાનું મહત્વ સમજાવ્યું હતું. કહેવાય છે કે સત્ય એ જ નારાયણ ભગવાન છે. આ કથા આપણને સત્યના માર્ગે ચાલવા અને જૂઠનો ત્યાગ કરવા પ્રેરણા આપે છે. આ વ્રત કોઈપણ વ્યક્તિ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો જો કોઈ સૌથી સરળ માર્ગ હોય તો તે છે શ્રી સત્યનારાયણ વ્રત કથા. જે ઘરમાં કથા થાય છે ત્યાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. તથા જ્યારે નવા કાર્ય કે વ્યવસાયની શરૂઆત કરીએ તે સમયે પણ આ સત્યનારાયણની કથા કરીએ તો વિઘ્નો દૂર થાય છે. તો આવો, આવી પુણ્ય પવિત્ર એવી સત્યનારાયણ વ્રત કથા આપણે પણ શ્રવણ કરીએ.
તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી કી જય.
અતઃ શ્રી સતનારાયણ વ્રત કથયમ પ્રથમો અધ્યાયહ.
એકવાર નેમિસારણીય નામના પવિત્ર સ્થળ પર સૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. તેમણે પુરાણોના જાણકાર સુતજીને એક પ્રશ્ન પૂછ્યો કે હે મહાત્મા, કયું વ્રત કે તપ કરવાથી માણસ પોતાની મનગમતી ઈચ્છા મુજબનું ફળ મેળવે છે? અમે તે સાંભળવા માંગીએ છીએ, તો કૃપા કરીને અમને જણાવો.
સુતજી બોલ્યા કે એકવાર નારદ મુનિએ આ સવાલ ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો અને ભગવાને જે જવાબ આપ્યો તે તમે ધ્યાનથી સાંભળો. નારદજી બીજાનું ભલું કરવાની ભાવનાથી અલગ અલગ લોકમાં ફરતા હતા. જ્યારે તેઓ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે જોયું કે લોકો પોત પોતાના કર્મોના લીધે ખૂબ જ દુઃખી છે. લોકોના આ દુઃખ કઈ રીતે દૂર થાય? તેઓ વિચાર કરીને નારદજી સીધા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં તેમણે ભગવાન વિષ્ણુના દર્શન કર્યા કે જેમના ચાર હાથ હતા અને જેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ શોભતા હતા. નારદજીએ ભાવપૂર્વક ભગવાનની સ્તુતિ કરવાનું શરૂ કર્યું કે હે પ્રભુ, આપની શક્તિ અનંત છે. આપને નમસ્કાર છે. આપ ભક્તોના દુઃખ દૂર કરનાર છો.
ભગવાન બોલ્યા કે હે નારદ, તમે અહીં કેમ આવ્યા છો? તમારા મનમાં જે વાત હોય તે મને કહો. એટલે નારદજી બોલ્યા કે નાથ, પૃથ્વી પર લોકો પોતાના પાપો અને કર્મોને લીધે ખૂબ જ પીડાય છે. મને કોઈ એવો ટૂંકોને સરળ રસ્તો બતાવો કે જેનાથી લોકોના દુઃખ દૂર થાય.
ભગવાન બોલ્યા કે નારદ, તમે લોકોના ભલા માટે ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે. એક એવું પવિત્ર વ્રત છે કે જે પૃથ્વી પર મળવું મુશ્કેલ છે, પણ તમારા પ્રત્યેના પ્રેમને કારણે હું તમને જણાવું છું અને તે છે સત્યનારાયણ ભગવાનનું વ્રત. જે કોઈ પણ આ વ્રત વિધિ મુજબ કરે છે તે દુનિયાના બધા સુખ ભોગવે અને અંતે મોક્ષ મેળવે છે.
નારદજીએ પૂછ્યું કે પ્રભુ, આ વ્રતનું ફળ શું? તેની વિધિ શું? અને આ વ્રત પહેલા કોણે કર્યું હતું? એટલે ભગવાન બોલ્યા કે આ વ્રત દુઃખ અને શોખ મટાડનાર છે. તેનાથી ધનધાન્ય વધે છે. સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતાન મળે છે અને પુરુષોને દરેક કામમાં જીત મળે છે. કોઈપણ દિવસે શ્રદ્ધા સાથે આ વ્રત કરી શકાય. સાંજના સમયે સગા સંબંધીને બ્રાહ્મણો સાથે મળીને ભગવાનનું પૂજન કરવું. પ્રસાદમાં કેળા, ઘી, દૂધ અને ઘઉંનો અથવા રવાનો સવાયા માપમાં લઈ શિરો બનાવવો. તેમાં ખાંડ કે ગોળ ઉમેરવો. ભગવાનની કથા સાંભળવી અને બ્રાહ્મણને દક્ષિણા આપવી. બધાને ભોજન કરાવી અને પ્રસાદ વેચીને પોતે પણ પ્રસાદ લેવો અને ભજન કીર્તન કરતા કરતાં આનંદથી ભગવાનનું સ્મરણ કરવું. કલિયુગમાં મનોકામના પૂર્ણ કરવા માટે આ સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે.
આ રીતે સત્યનારાયણ ભગવાન વ્રત કથાનો પહેલો અધ્યાય અહીં પૂરો થાય છે.
તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. શંકર ભગવાન કી જય.
અથ શ્રી સત્યનારાયણ વ્રત કથયમ દ્વિતીયો અધ્યાય.
સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, હવે હું તમને એ જણાવું કે સૌથી પહેલા આ વ્રત પૃથ્વી પર કોણે કર્યું હતું. કાશીનગરીમાં એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બિચારો ભૂખ અને તરસથી હેરાન થઈને દરરોજ ભીખ માંગવા માટે ભટકતો હતો. ભગવાન વિષ્ણુને આ બ્રાહ્મણ પર દયા આવી. એટલે ભગવાને ઘરડા બ્રાહ્મણનું રૂપ લીધું અને પહેલા ગરીબ બ્રાહ્મણ પાસે જઈને પૂછ્યું કે ભાઈ, તું આટલો દુઃખી થઈને આમ તેમ કેમ ભટકે છે?
ગરીબ બ્રાહ્મણે કહ્યું કે હું ખૂબ જ ગરીબ છું. પેટ ભરવા માટે ભીખ માગુું છું. જો મારી ગરીબી દૂર થાય એવો કોઈ ઉપાય તમે જાણતા હોય તો કૃપા કરીને મને બતાવો. ઘરડા બ્રાહ્મણ સ્વરૂપ ભગવાન બોલ્યા કે બ્રાહ્મણ, સત્યનારાયણ ભગવાન જ બધી ઈચ્છા પૂરી કરનાર છે. તું એમનું વ્રત અને પૂજન કર. તેનાથી તારા બધા જ દુઃખ દૂર થઈ જશે. ભગવાને બ્રાહ્મણને વ્રત કરવાની ની આખી રીત સમજાવી અને પછી તેઓ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા.
બ્રાહ્મણે નક્કી કર્યું કે ભગવાને જે વ્રત બતાવ્યું છે તે હું જરૂર કરીશ. તે આખી રાત આ જ વિચારમાં જાગતો રહ્યો અને સવારે વ્રતનો સંકલ્પ કરી ભીખ માંગવા નીકળ્યો. તે દિવસે તેને ભીખમાં એટલા બધા પૈસા મળ્યા કે તે ખુશ થઈ ગયો. તે પૈસાથી તેણે પોતાના મિત્રો અને સગા સંબંધીઓ સાથે મળીને ભગવાન સત્યનારાયણ નું વ્રત કર્યું. સવારે વ્રતનો સંકલ્પ કરીને તે ભિક્ષા માંગવા નીકળ્યો. તે દિવસે તેને ભિક્ષામાં એટલા બધા પૈસા મળ્યા કે તે ખુશ થઈ ગયો. તે પૈસાથી તેણે પોતાના મિત્રો અને સગા સંબંધીઓ સાથે મળીને ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી બ્રાહ્મણની ગરીબી દૂર થઈ અને તે ખૂબ જ સુખી થયો. ત્યારથી તે બ્રાહ્મણ દર મહિને પૂનમના દિવસે આ વ્રત કરવા લાગ્યો અને અંતે તે બધા પાપોમાંથી મુક્ત થઈ મોક્ષ પામ્યો.
ઋષિએ કહ્યું કે હે મુનિ, આ બ્રાહ્મણ પાસેથી સાંભળીને બીજા કોણે આ વ્રત કર્યું હતું? અમને તે જાણવાની ખૂબ ઈચ્છા છે. એટલે સૂતજી બોલ્યા કે સાંભળો, એકવાર પહેલો બ્રાહ્મણ પોતાના ઘરે વિધિપૂર્વક પૂજા કરતો હતો ત્યારે ત્યાંથી એક લાકડા વેચનાર કઠિયારો પસાર થયો. તે ખૂબ તરસ્યો હતો. તેણે જોયું કે બ્રાહ્મણ કંઈક પૂજા કરી રહ્યો છે, એટલે તે પોતાનો ભારો બહાર મૂકીને અંદર ગયો. તેણે શાંતિથી પૂજા જોઈ અને પ્રસાદ લીધો. પછી તેણે બ્રાહ્મણને કહ્યું કે મહારાજ, આ શાનું વ્રત છે અને તેનાથી શું ફળ મળે છે? બ્રાહ્મણે કહ્યું કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. તેનાથી [ગળું સાફ કરે છે] મારી ગરીબી દૂર થઈ છે અને મને સુખ સંપત્તિ મળી છે.
કઠિયારો આ સાંભળીને ખૂબ ખુશ થયો. તેણે મન મનમાં નક્કી કર્યું કે આજે લાકડા વેચીને જે પૈસા મળશે તેનાથી હું પણ ભગવાનનું વ્રત કરીશ. તે લાકડા વેચવા શહેરમાં એવા વિસ્તારમાં ગયો કે જ્યાં અમીર લોકો રહેતા હતા. તે દિવસે તેને લાકડાના બમણા પૈસા મળ્યા અને તે પૈસાથી કઠિયારાએ પૂજાની સામગ્રી જેવી કે પાકા કેળા, ઘી, દૂધ, ગોળ અને ઘણી બધી વસ્તુઓ લીધી. ઘરે જઈને તેણે પોતાના પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાન થયો. તેને સંતાન સુખ મળ્યું અને આખી જિંદગી સુખ ભોગવી અંતે સ્વર્ગમાં ગયો.
તો આ રીતે સ્કંદપુરાણના રેવાખંડનો સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય પૂરો થાય છે.
તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. જય શંકર ભગવાન કી જય.
અથ શ્રી સત્યનારાયણ વ્રત કથયમ તૃતીયો અધ્યાયહ.
સાધુવાણીયાની કથા.
સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, હવે આગળની કથા સાંભળો. પૃથ્વી પર ઉલ્કામુખ નામનો એક સત્યવાદી રાજા હતો. તે રોજ મંદિર જતો અને ગરીબોને દાન આપીને સંતોષ આપતો હતો. તેની પત્નીનું નામ પ્રમુખધા હતું કે જે ખૂબ જ ભોળી અને પતિવ્રતા હતી. એકવાર રાજા પોતાની પત્ની સાથે નદી કિનારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો. એ સમયે સાધુ નામનો એક વાણીઓ ત્યાં આવ્યો કે જેના વહાણમાં વેપાર માટે ઘણું બધું ધનદાન ભરેલું હતું. રાજાને વ્રત કરતો જોઈ તેણે વિનયથી પૂછ્યું કે રાજા, આપ આ એક રીતે શું કરી રહ્યા છો? તે જાણવાની મને ખૂબ ઈચ્છા છે.
રાજાએ કહ્યું કે હું મારા કુટુંબીજનો સાથે ભગવાન વિષ્ણુનું પૂજન કરું છું કે જેથી મને સંતાનની પ્રાપ્તિ થાય. વાણીઓ બોલ્યો કે રાજન, મને પણ સંતાન નથી, તો આ વ્રતની વિધિ મને પણ જણાવો. હું પણ તમારા કહ્યા મુજબ વ્રત કરીશ. રાજા પાસેથી વ્રતની વિધિ જાણી તે વેપાર છોડી તરત જ ઘરે પાછો ફર્યો. વાણિયાએ પોતાની પત્ની લીલાવતીને વ્રત વિશે કહ્યું અને સંકલ્પ કર્યો કે જ્યારે આપણને સંતાન થશે ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ. ભગવાનની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ અને દસમે માસે તેણે એક સુંદર કન્યાને જન્મ આપ્યો અને તેનું નામ કલાવતી પાડવામાં આવ્યું.
લીલાવતીએ પતિને યાદ અપાવ્યું કે સ્વામી, તમે સંકલ્પ કર્યો હતો તે વ્રત કેમ પૂરું કરતા નથી? વાણિયાએ કહ્યું કે પ્રિયે, કન્યાના લગ્ન સમયે આપણે આ વ્રત કરીશું અને આમ કહી તે ફરી વેપાર કરવા જતો રહ્યો. સમય જતાં કલાવતી મોટી થઈ એટલે વાણિયાએ ગુણવાન વર શોધીને ધામધૂમથી કલાવતીના લગ્ન કર્યા. પણ લગ્ન સમયે પણ તે ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી સત્યનારાયણ ભગવાન તેના પર કોપાઈમાન થયા.
થોડા દિવસો તો પછી વાણીયો પોતાના જમાઈને સાથે લઈ રત્નાસાર નામના નગરમાં વેપાર કરવા ગયો. ત્યાં ચંદ્રકેતુ રાજાનું રાજ હતું. ભગવાને વાણિયાને શ્રાપ આપ્યો કે તેના પર ભારે દુઃખ આવશે. એક દિવસ રાજાનું ધન લૂટીને એક ચોર ભાગતો હતો. રાજાના સિપાહીઓને પાછળ આવતા જોઈ ચોરે તે ધન વાણિયા અને જમાઈ પાસે નાખી દીધું અને છુપાઈ ગયો. સિપાહીઓએ ત્યાં ધન જોયું અને સસરા જમાઈને ચોર સમજીને પકડી લીધા. રાજાએ કંઈ પણ વિચાર્યા વગર બંનેને જેલમાં પૂરી દીધા અને તેમનું બધું ધન લઈ લીધું.
બીજી તરફ વાણીયાના ઘરે પણ ભગવાનના શ્રાપથી ખૂબ દુઃખ આવ્યું. લુટારાઓ બધું ધન લૂટી ગયા અને પત્ની પુત્રી અન્ન માટે ભટકવા લાગી. એક દિવસ ભૂખી થયેલી કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા થતી હતી. તેણે ધ્યાનથી કથા સાંભળી અને પ્રસાદ લઈને મોડી રાત્રે ઘેર આવી. માતાએ પૂછ્યું કે દીકરી, તું અત્યાર સુધી ક્યાં હતી? કલાવતીએ બ્રાહ્મણને ત્યાં થતા વ્રતની વાત કરી. આ સાંભળીને લીલાવતીએ પણ સગા સંબંધીઓ સાથે મળીને ભગવાનનું વ્રત કર્યું અને માફી માંગી કે હે પ્રભુ, મારા પતિ અને જમાઈના ગુના માફ કરો અને તેમને જલ્દી ઘરે મોકલો.
ભગવાન વ્રતથી પ્રસન્ન થયા. તેમણે રાજા ચંદ્રકેતુને સ્વપ્નમાં આવીને કહ્યું કે રાજા, તે જે વાણીયાઓને જેલમાં પૂર્યા છે તે નિર્દોષ છે. તેમને સવારે છોડી દેજે અને તેમનું બધું ધન પાછું આપી દેજે, નહીંતર તારા રાજ્યનો નાશ થશે. સવારે રાજાએ સભા બોલાવીને બંને વાણીયાઓને છોડાવ્યા. રાજાએ તેમની માફી માંગી અને તેમને નવા વસ્ત્રો, ઘરેણા આપ્યા. તેમનું ધન બમણું કરીને પાછું આપ્યું અને રાજાએ આદર સાથે બંનેને વિદાય કર્યા.
આ પ્રમાણે સ્કંદપુરાણના રેવાખંડનો સત્યનારાયણ કથાનો ત્રીજો અધ્યાય અહીં પૂરો થાય છે.
તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. શંકર ભગવાન કી જય.
અથ શ્રી સત્યનારાયણ વ્રત કથયમ ચતુર્થો અધ્યાયહ.
સૂતજી કહે છે કે સાધુવાણીયાએ રાજા પાસેથી મળેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન આપ્યું અને પોતાના નગર તરફ જવા નીકળ્યું. વાહણ થોડું દૂર દરિયામાં ગયું ત્યારે ભગવાન સત્યનારાયણને વાણીયાની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. ભગવાને સન્યાસીનું રૂપ ધારણ કર્યું અને વાણીયાને ને પૂછ્યું કે તારા વાણમાં શું ભર્યું છે? વાણિયાએ મસ્કરી કરતાં અભિમાનથી કહ્યું કે હે સન્યાસી, શું તમે મારું ધન પડાવી લેવા માંગો છો? મારી નાવમાં તો માત્ર વેલાને પાંદડા જ ભર્યા છે.
આ સાંભળી ભગવાને કહ્યું કે તારું વચન સત્ય હોજો અને તેઓ નદી કિનારે જઈ બેસી ગયા. જ્યારે વાણિયાએ પોતાની નાવ જોઈ તો તે હલકી થઈ ગઈ હતી. વહાણમાં તપાસ કરી તો ખરેખર ધનને બદલે વેલાને પાંદડા જ હતા. આ જોઈ વાણીયો બેભાન થઈ ગયો અને ભાનમાં આવતા જ તે ચિંતા કરવા લાગ્યું. ત્યારે તેના જમાઈએ કહ્યું કે આ બધું પહેલા સાધુ બાવાના શ્રાપથી થયું છે, માટે આપણે તેમને શરણે જવું જોઈએ.
વાણીઓ દોડતો તે સાધુ ભગવાન પાસે ગયો અને પગમાં પડીને માફી માંગવા લાગ્યો. તે રડતા રડતા બોલ્યો કે પ્રભુ, મોટા મોટા દેવો પણ તમારી માયાને સમજી શકતા નથી, તો હું તો એક સામાન્ય માણસ છું. મેં લોભમાં આવીને ખોટું બોલ્યું. મને ક્ષમા કરો. હું મારી શક્તિ મુજબ તમારી પૂજા કરીશ. વાણિયાની ભક્તિ જોઈ ભગવાન પ્રસન્ન થયા અને આશીર્વાદ આપીને અદ્રશ્ય થઈ ગયા.
વાણિયાએ પાછા આવીને જોયું તો તેનું વહાણ ફરીથી ધનથી ભરાઈ ગયું હતું. તેણે ત્યાં જ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું પૂજન કર્યું અને પોતાના નગર રત્નપુરી તરફ આગળ વધ્યું. નગર નજીક આવતા વાણિયાએ દૂતને સમાચાર આપવા ઘેર મોકલ્યો. દૂતે જઈને લીલાવતીને કહ્યું કે તમારા પતિને જમાઈ પુષ્કળ ધન સાથે પધારી રહ્યા છે. આ સાંભળી લીલાવતી ખૂબ ખુશ થઈ. તેણે ભગવાનની પૂજા કરી અને પુત્રી કલાવતીને કહ્યું કે દીકરી, તું પૂજા કરીને પ્રસાદ લઈને જલ્દી આવ. હું તારા પિતાના દર્શન કરવા જાઉ છું.
કલાવતીએ ઉતાવડમાં પૂજા તો કરી પણ પતિને મળવાની ઉતાવડમાં ભગવાનનો પ્રસાદ લેવાનું ભૂલી ગઈ. આથી ભગવાન ફરી કોપાઈમાન થયા અને જોત જોતામાં જમાઈનું વાહણ ધન સાથે દરિયામાં ડૂબી ગયું. કલાવતીએ કિનારે આવીને જોયું તો તેનો પતિ ક્યાંય દેખાય નહીં. તે રડતી રડતી જમીન પર પડી અને બધા ગભરાઈ ગયા. લીલાવતી પણ વિલાપ કરવા લાગી. કલાવતી પોતાના પતિ પાછળ સતી થવા તૈયાર થઈ ત્યારે વાણીયાએ વિચાર્યું કે નક્કી આ ભગવાનની માયા છે. તેણે ભગવાનને ખૂબ વિનંતી કરી ત્યારે આકાશવાણી થઈ કે હે વણિક, તારી પુત્રી પ્રસાદ લીધા વગર અહીં આવી છે, તેથી તેનો પતિ અદ્રશ્ય થયો છે. જો તે ઘરે જઈને પ્રસાદ લઈ પાછી આવશે તો તેનો પતિ ચોક્કસ મળશે.
કલાવતી તરત ઘરે ગઈ. પ્રસાદ લઈને પાછી આવી. આવતાની સાથે જ તેનો પતિ હેમખેમ કિનારે આવી ગયો. બધાના જીવમાં જીવ આવ્યો અને વાણીયાએ ત્યાં જ ફરીથી વિધિપૂર્વક સત્યરાયણ ભગવાનનું પૂજન કર્યું. ત્યારબાદ વાણીઓ પોતાના પરિવાર સાથે સુખેથી ઘરે આવ્યો. હવે તે દરેક પૂનમ અને સંક્રાંતિએ ભગવાનનું વ્રત કરવા લાગ્યો. આ લોકમાં બધા સુખ ભોગવી અંતે તે ભગવાનના ધામમાં ગયો.
તો આ પ્રમાણે સ્કંદપુરાણના રેવાખંડનો ચોથો અધ્યાય અહીં પૂરો થાય છે.
તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. શંકર ભગવાન કી જય.
અથ શ્રી સત્યનારાયણ વ્રત કથયમ પંચમો અધ્યાયહ.
સૂતજી જી બોલ્યા કે હે મુનિવરો, હવે આગળની એક કથા સાંભળો. તુંંગાધ્વજ નામનો એક રાજા હતો કે જે પ્રજાનું પાલન કરવામાં ખૂબ હોશિયાર હતો. એકવાર આ રાજાએ ભગવાન સત્યનારાયણના પ્રસાદનું અપમાન કર્યું જેના લીધે તેણે મોટું દુઃખ ભોગવવું પડ્યું. એક સમયે રાજા શિકાર કરવા વનમાં ગયો. ત્યાં તેણે એક વળના ઝાડ નીચે ગોવાળિયાઓને ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા જોયા. રાજાએ અભિમાનમાં આવીને ને ત્યાં જવાનું ટાળ્યું અને દૂરથી નમસ્કાર પણ ન કર્યા. પૂજા પૂરી થયા પછી ગોવાળિયાઓએ રાજા પાસે જઈને પ્રસાદ ધર્યો પણ રાજાએ પ્રસાદનો પણ ત્યાગ કર્યો.
આ અપમાનના લીધે રાજાના સો પુત્રો, તેનું ધન અને ધાન્ય બધું જ નાશ પામ્યું. એટલે રાજાને તરત જ વિચાર આવ્યો કે નક્કી આ બધું સત્યનારાયણ ભગવાનના અપમાનને કારણે જ થયું છે. રાજાને પોતાની ભૂલ સમજાય અને તે તરત જ એ જગ્યાએ પાછો ગયો કે જ્યાં ગોવાળિયાએ પૂજા કરી હતી. રાજાએ ત્યાં જઈને શ્રદ્ધાપૂર્વક ગોવાળિયાઓ સાથે મળીને વિધિપૂર્વક પૂજા કરી અને ભગવાનની કૃપાથી રાજાને ફરીથી ધન સંપત્તિ અને પુત્રોનું સુખ મળ્યું. આ લોકમાં સુખ ભોગવી અંતે તે ભગવાનના ધામમાં ગયો.
જે માણસ આ પવિત્ર કથા સાંભળે છે અથવા ભક્તિથી વ્રત કરે છે તેના પર ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે. આ વ્રતથી ગરીબ ધનવાન બને છે, કેદી જેલમાંથી છૂટે છે અને ડરેલો માણસ ભયમુક્ત બને છે. કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા તરત જ ફળ આપનારી છે. ભગવાનને કોઈ કાલ, કોઈ ઈશ્વર તો કોઈ સત્યદેવ કહે છે. તેવો જ અનેક રૂપો ધરીને ભક્તોની ઈચ્છા પૂરી કરે છે.
હવે હું તમને એ જણાવું કે જેમણે આ વ્રત કર્યું તેમનો બીજો જન્મ ક્યાં થયો. ગરીબ સતાનંદ નામનો બ્રાહ્મણ બીજા જન્મમાં ભગવાન કૃષ્ણના મિત્ર સુદામા બન્યા અને મોક્ષ પામ્યા. લાકડા વેચનાર કઠિયારો બીજા જન્મમાં ગુહુરાજ બન્યો કે જેણે ભગવાન રામની સેવા કરી અને રાજા તુંંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભુ મનો થયો કે જેમણે ભગવાનની ભક્તિ કરી વૈકુઠ પ્રાપ્ત કર્યું.
તો આ રીતે જે કોઈ સત્યનારાયણ ભગવાનનું સ્મરણ અને પૂજન કરશે તે સર્વ પાપોમાંથી મુક્ત થશે. તો આ પ્રમાણે સ્કંદપુરાણના રેવાખંડમાં સત્યનારાયણ કથાનો પાંચમો અધ્યાય અહીં પૂરો થાય છે.
તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. શંકર ભગવાન ન કી જય.
હરે રામ હરે રામ રામ રામ હરે હરે. હરે ક્રિષ્ણ હરે ક્રિષ્ણ ક્રિષ્ણ ક્રિષ્ણ હરે હરે.
તો મિત્રો, આજના આ વીડિયોમાં આપણે સત્યનારાયણ ભગવાનની કથા શ્રવણ કરી. આશા છે કે આપ સૌ લોકો પણ અમારી સાથે સાંભળી હશે. તો આવી જ રીતે અમે મે દરેક પૂર્ણિમાએ સત્યનારાયણ ભગવાનની કથાનો વીડિયો મૂકીએ છીએ, તો આપ અવશ્ય અમારી સાથે સાંભળજો. તો જો આપે અમારી સાથે કથા સાંભળી હોય તો વીડિયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનારા અવનવા વીડિયો આપને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વીડિયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રીકૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડા રહેવા બદલ, મારી સાથે કથા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.